સફળતાની રહસ્યયાત્રા
વિશ્વની કૂલ 7 અબજની વસ્તીમાંથી એકપણ વ્યક્તિ એવી નહી હોય કે જેને ક્યારેય સફળતાની ઝંખના ન કરી હોય ! દુનિયાની દરેક વ્યક્તિને પોતાના પસંદગીના ક્ષેત્રમાં સફળ થવું છે. સફળતાના સ્વપ્નને માત્ર અમુક લોકો જ કેમ સાકાર કરી શકે છે ? જવાબ માત્ર એટલો જ છે કે તેઓ સફળતાના રહસ્યને જાણે છે , સફળતા જે પટારામાં બંધ કરવામાં આવી છે તે પટારાને મારેલું અલીગઢી તાળું કઇ ચાવી થી ખુલે છે તેની તેઓને જાણકારી છે.
વિદ્યાર્થીમિત્રો આપની સમક્ષ અહી સફળતાના એ રહસ્યો ખુલ્લા કરી રહ્યો છુ તેના પર પડેલો પડદો હટાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. ચીનના મહાન તત્વચિંતક શ્રી કન્ફ્યુશસે ખુબ સરસ વાત કરી છે , “ જો તમે કંઇ સાંભળશો તો થોડા સમય પછી કદાચ ભૂલી પણ જશો , જો તમે તે લખશો તો લાંબાગાળા માટે યાદ રહેશે પરંતું જો તેને અનુસરશો તો અનુભાવાશે.” સફળતાની આ રહસ્યયાત્રા પણ માત્ર વાંચવા માટે નથી અનુસરવા માટે છે જો આપ પરિણામ મેળવવા માંગતા હોય તો ?
સમાજ જેને સફળ ગણે છે-કહે છે એવા વ્યક્તિ વિશેષના જીવન અભ્યાસના આધારે એ તમામ મહાનુભાવોની સફળતાના પાંચ રહસ્યો જાણવા મળ્યા છે....પછી તે સચિન હોય કે અમિતાભ , સોનિયા હોય કે સાનિયા, બીલ ગેટ્સ હોય કે બરાક ઓબામા, મહાત્મા ગાંધી હોય કે સરદાર પટેલ ......આ તમામના જીવન સાથે સફળતના આ પાંચ રહસ્યો સમાન રીતે સંકળાયેલા છે.
1. પરિચય – પોતાની જાતનો
એક સિંહણે એક બચ્ચાને જન્મ આપ્યો અને અસહ્ય પીડાને કારણે મૃત્યું પામી. ત્યાંથી પસાર થતા ઘેટાઓએ આ દૃશ્ય જોયુ અને તાજા જન્મેલા બચ્ચા પ્રત્યે દયાભાવથી પોતાની સાથે લીધું. આ બચ્ચુ સમય જતા શારિરીક રીતે સિંહ બની ગયું પરંતુ સ્વભાવ અને વિચારની દૃષ્ટીએ એ ઘેટું જ રહ્યુ કારણ કે એનો ઉછેર ઘેટાના ટોળાની વચ્ચે થયો હતો. એકવાર કોઇ સિંહને જોઇને બધા ઘેટા ગભરાઇને ભાગ્યા તેની સાથે પેકું સિંહનું મોટું થઇ ગયેલુ બચ્ચું પણ ભાગ્યુ. સિંહે જ્યારે આ જોયું ત્યારે એને આશ્વર્ય થયું કે મને જોઇને આ ઘેટા ભાગે એ તો સમજી શકાય તેમ છે પણ મને જોઇને આ સિંહ કેમ ભાગે છે ? એણે તરાપ મારીને પેલા ભાગી રહેલા સિંહને પકડ્યો. તે તો એકદમ ગભરાઇ ગયો. ઝાડા-પેશાબ પણ છુટી ગયા. સિંહે આ ભાગી રહેલા અને પકડાયેલા સિંહને પુછ્યુ કે તું કેમ ગભરાય છે મારાથી ? પેલો કહે અરે તમે સિંહ છો અને હું ઘેટું છુ તો ડર તો લાગે જ ને !!!!!!! સિંહ તેની ગળચી પકડીને નદીકાંઠે લઇ ગયો નદીનાં પાણીમાં બંનેનું પ્રતિબિંબ બતાવીને કહ્યુ કે જો આપણે બંને દેખાવે સરખા જ છીએ કે નહી? હું સિંહ છુ તો તું પણ સિંહ જ છે અને હજુ વધુ ખાત્રી માટે તું મારી જેમ ત્રાડ પાડ તારાથી પણ એમ થશે. પેલા સિંહને થોડો આત્મવિશ્વાસ આવ્યો અને એને ગર્જના કરી. વર્ષોથી તેનામાં રહેલું ઘેટું મૃત્યું પામ્યુ અને સિંહ જીવિત થયો.
મિત્રો આપણા જીવનમાં પણ ઘણીવાર આવું જ બનતું હોય છે.આપણામાં અનેક શક્યતાઓ ધરબાઇ-ધરબાઇને ભરેલી હોય છે પરંતું કમનસીબે આપણે નબળા વિચારોવાળા ઘેટા જેવા લોકોના ટોળામાં ભળીને આપણી જાતને નીચી માની રહ્યા છીએ. ક્યારેક એકાંતમાં આપણી જાત સાથે વાત કરીએ ત્યારે ખ્યાલ આવે કે આપણામાં કેવી અપાર અને અદભુત શક્તિઓ પડેલી છે પરંતું આપણને આપણી જાતનો જ પરિચય નથી.
સફળતા માટે સૌ પ્રથમ મારે મારી પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જોઇએ. મારામાં એવી કઇ ખુબી છે જે બીજા કરતા મને જુદો પાડી શકે અને મહાન બનાવી શકે તે જાણવા અને સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. મારી આ ખુબીને ઉજાગર કરવામાં ક્યા ક્યા વિઘ્નો છે અને મારી એવી કઇ ખામીઓ છે જે મારી ખુબીને બહાર આવવા દેતી નથી તેનો પણ પરિચય મેળવી લેવો જરૂરી છે આ માટે તટસ્થ હોય એવા મિત્રો, શિક્ષકો , કુટુંબીઓ, સગા –સંબંધીઓની મદદ લઇ શકાય. આ બધા આપણને ખુબ સારી રીતે ઓળખતા હોય છે માટે આ બધાની મદદથી પોતાની જાતનો પરિચય મેળવવાનો પ્રયાસ તો કરી જુવો, તમારી પોતાની ખુબીઓ અને ખામીઓ જાણવાની આ પ્રક્રિયા અત્યંત રસપ્રદ બની રહેશે. તમને પોતાને આશ્વર્ય થશે કે તમારામાં આટલી બધી ક્ષમતાઓ હતી જેનાથી તમે પોતે જ અજાણ હતા અને સાથે સાથે આંચકો પણ લાગશે કે તમે તમારી જાતને પૂર્ણ સમજતા હતા પણ ઘણી અધૂરપ છે હજુ. પોતાની જાતનો પરિચય મેળવ્યા પછી આપની ખુબીઓને વધુ તાકતવર બનાવો અને ખામીઓને ધુળ ચાટતી કરો.........એકાદ બાબતના સંદર્ભમાં એક નાનો પ્રયોગ કરો અને અનુભવ કરો શું બદલાવ આવે છે તે જુવો.......
2. પસંદગી – મનગમતા કાર્યક્ષેત્રની
આપણે કારકિર્દી માટે જે ક્ષેત્રની પસંદગી કરીએ તે ક્ષેત્ર જો આપણું પ્રિય ક્ષેત્ર હોય તો સફળતાના શિખર સુધી પહોંચવાની યાત્રા સરળ તો હશે જ પણ સાથે સાથે આનંદપ્રદ પણ હશે.આમીરખાનની “ થ્રી ઇડીયટસ “ આ બાબતે ઘણું બધું કહી જાય છે.
માત્ર અમુક પ્રકારના ફિલ્ડમાં જ ઉજ્જ્વળ કારકિર્દી છે તે માત્ર આપણી ભ્રમણા છે. દુનિયામાં તમામ ક્ષેત્રનું પોતાનું આગવું મહત્વ છે આ સમાજને જેટલી જરૂર એક સારા ડોકટરની છે એટલી જ જરૂર એક સારા કવિ કે લેખકની પણ છે. વ્યક્તિમાં રહેલી શક્તિઓને જો સોળે કળાએ ખીલવવી હોય તો તે માત્ર અને માત્ર તેના પસંદગીના ક્ષેત્રમાં જ શક્ય બની શકે છે.
આ દુનિયામાં કીંમત ડીગ્રીની નહી એક્સપર્ટાઇઝની છે. તમારું મૂલ્ય તમારી નિપૂણતા પર નિર્ભર કરે છે. એમ.બી.એ. થયેલો માણસ મહિનાના 10000 નો પગાર પાડતો હોય અને બીજી બાજું 12 ધોરણ સુધી જ ભણેલો મહિનાના 50000 પણ કમાતો હોય કારણ માત્ર એટલું જ કે એક પાસે ડીગ્રી છે પણ એક્સપરટાઇઝ નથી અને બીજા પાસે એક્સપર્ટાઇઝ છે માત્ર ડીગ્રી નથી. ગોંડલમાં રહેતો હરેશ ધામેલિયા બે ટ્રાય બાદ માંડ માંડ ગ્રેજ્યુએટ થઇ શક્યો છે પરંતું એણે કમ્પ્યુટર નેટવર્કિંગના પોતાના પસંદગીના ક્ષેત્રમાં એવી માસ્ટરી મેળવી છે કે પશ્વિમ રેલ્વેની નેટવર્કિંગ સીસ્ટમમાં કોઇ તકલીફ ઉભી થાય તો મહાનગર મુંબઇ ને બદલે નાના એવા ગોંડલ ગામના આ યુવાનની મદદ લેવામાં આવે જો કે આજે તો હરેશ પોતાની નિપુણતાને કારણે લંડનમાં ખુબ સારા પગારથી ખુબ સારી પોસ્ટ પર કામ કરી રહ્યો છે.
કારકિર્દી કે કામકાજનું ક્ષેત્ર પસંદ કરતી વખતે લોકોના અભિપ્રાયો લેવાની જરૂર નથી તમને શું ગમે છે તે ધ્યાનમાં રાખીને આગળ વધો. ભગવાને દરેકમાં જુદી ક્ષમતાઓ અને વિશેષતાઓ મુકેલી છે યાદ રાખજો કે તમે જો માટીની ઢીંગલી હશો અને પાણીમાં પડવાનું પસંદ કરશો તો ઓગળી જશો અને લાકડાની ઢીંગલી હશો અને આગમાં પડવાનું પસંદ કરશો તો બળી જશો તમે કયા પ્રકારની ઢીંગલી જો તે નક્કી કરીને આગમાં પડવું કે પાણીમાં તે નકકી કરજો.
3. પ્રતિજ્ઞા – ધ્યેય પ્રાપ્તિની
મારી પસંદગીનું ક્ષેત્ર જાણ્યા બાદ તેમાં આગળ વધવા માટે એક માઇલસ્ટોન અર્થાત ધ્યેય નક્કી કરવું પડે. ધ્યેયથી કાર્યની દિશા નક્કી થાય છે. કેટલાક વિદ્યાર્થીઓને પુછીએ કે તારે શું કરવું છે તો જવાબ મળે કે પરિણામ આવે પછી નક્કી કરીએ કે હવે શું કરવું. જરા વિચારો તો ખરા કે જેની મંઝીલ જ નક્કી થયેલી ન હોય એનો માર્ગ કેવી રીતે નક્કી થાય ?
અમેરિકાની જેસીકા કોક્સ જન્મી ત્યારે હાથ વગરની હતી. લોકો તેને “ આર્મ લેસ ગર્લ” તરીકે ઓળખતા હતા. તેના જીવનનું ધ્યેય હતું કે મારે પાયલોટ બનવું છે. લોકો તેને ગાંડી કહેતા લોકો બે હાથ હોવા છતા સરખી રીતે સ્કૂટર પણ નથી ચલાવી શકતા તો હાથ વગર પાઇલોટ બનવું અશક્ય જ લાગે પણ જેસીકા પોતાના ધ્યેયને નજર સમક્ષ રાખીને મંડી પડી અને 24 વર્ષની ઉંમરે અમેરીકાએ જેસીકાને પગથી પ્લેન ઉડાડવા માટેનું લાઇસન્સ આપ્યું.
બનારસનો સાવ સામાન્ય સ્થિતીનો ગોવિંદ જયસ્વાલ નાની ઉમરમાં આઇ.એ.એસ. થવાનું નંક્કી કરે અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાના ધ્યેયને પાર પાડે.
કેટલાક વિદ્યાર્થીઓ એવું માનતા હોય છે કે આ ઉંમરે કંઇ થોડુ આવું વિચારવાનું હોય એ તો સમય આવશે ત્યારે જોયું જાશે ? આવું વિચારનારા મિત્રોને કેટલાક વ્યક્તિ વિશેષનો પરિચય કરાવવો છે જેણે ઉમરને જોયા વગર જ પોતાનું ધ્યય નક્કી કર્યુ અને પૂર્ણ પણ કર્યુ.
શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પોતાના ટૂંકા છતા પ્રભાવક પ્રવચન દ્વારા ભારતિય સંસ્કૃતિનો સાચો પરિચય આપીને સૌ કોઇને પ્રભાવિત કરનાર સ્વામી વિવેકાનંદ તે વખતે નવયુવાન જ હતા.
આદી શંકરાચાર્યએ સમગ્ર ભારતનું પરિભ્રમણ પુરું કરીને ચાર દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી ત્યારે તેઓ માત્ર 33 વર્ષના જ હતા.
બ્લેઝ પાસ્કલે 16 વર્ષની તરુણ વયે ભૂમિતી પર અદભૂત પુસ્તક લખી નાખ્યુ અને 19 વર્ષની ઉમરે તો આ દુનિયાને એડીંગ મશિનની ભેટ આપી.
સંત જ્ઞાનેશ્વરે લખેલી “ જ્ઞાનેશ્વરી ગીતા “ તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ છે જેની રચના એણે માત્ર 16 વર્ષની ઉંમરે જ કરેલી હતી.
સમ્રાટ સિકંદરે અડધા વિશ્વ પર વિજય મેળવીને 70 નવા શહેરોની સ્થાપના કરી ત્યારે તેની ઉંમર માત્ર 27 વર્ષની જ હતી અને આ જ ઉંમરે દક્ષિણ આફ્રિકામાં મહાત્માં ગાંધીએ સત્યાગ્રહના માધ્યમથી બ્રિટીશ સામ્રાજયનો મૃત્યું ઘંટ વગાડવની શરૂઆત કરી હતી
મેન ઓફ ધ મિલેનિયમ તરિકે ઓળખાતા અલ્બર્ટ આઇન્સ્ટાઇને આ દુનિયાને સાપેક્ષવાદની ભેટ આપી ત્યારે એની ઉંમર 27 વર્ષની હતી.
વિલીયમ પીટ માત્ર 24 વર્ષની ભરયુવાન વયે ઇંગ્લેંડ જેવા શક્તિશાળી દેશનો વડાપ્રધાન બન્યો હતો.
”પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડાઇસ” પુસ્તકના લેખક જેન એસ્ટીને 24 વર્ષની ઉંમરે આ વિખ્યાત પુસ્તકનું સર્જન કર્લુ. ખલીલ જીબ્રાને 15માં વર્ષે “ ધ પ્રોફેટ “ લખેલું. સરોજીની નાયડું એ 16 વર્ષની ઉંમરે 1000 પંક્તિઓના મહાકાવ્યની રચના કરેલી.
આ બધી આશ્વર્યજનક ઘટનાઓ સહજતાથી કેમ ઘટી ? કારણકે એમના જીવનમાં એમણે શું કામ કરવું છે એનો સ્પષ્ટ નકશો તૈયાર હતો. નક્કી કરેલી મંઝીલ સુધી પહોંચવા માટે કોઇ યોગ્ય સમયની રાહ જોયા વગર જ યાત્રાની શરૂઆત કરી દીધી.જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણે પણ આપણા જીવનનું ધ્યેય નક્કી કરીએ.
4. પુરૂષાર્થ – ધ્યેયને પામવાનો
એક નાના એવા ગામમાં રહેતો વિધવા માં નો પુત્ર જ્યોતિષી પાસે પોતાનો હાથ બતાવવા માટે ગયો અને જ્યોતિષીને પુછ્યું કે, “ મહારાજ મારો આ હાથ જોઇને કહોને કે હું કેટલું ભણવાનો છુ ?” પેલા જ્યોતિષીએ બાળકનો હાથ જોઇને કહ્યુ કે , “ બેટા મને માફ કરજે પણ વિધાતાએ તારા હાથમાં વિદ્યાની રેખા દોરી જ નથી માટે આગળ ભણવું તારા માટે શક્ય નથી.” છોકરાએ જ્યોતિષી પાસેથી હાથમાં વિદ્યારેખાનું સ્થાન ક્યાં હોય એ જાણ્યું અને ઘેર જઇને વિદ્યારેખાના સ્થાન પર છરી વડે મોટો કાપો મુકયો. એ લોહી નિતરતો હાથ લઇને જ્યોતિષી પાસે આવ્યો અને કહ્યુ કે, “ જુવો મહારાજ આ છે મારી વિદ્યારેખા અને હવે હું જોઉ છુ કે દુનિયાની કઇ તાકાત મને વિદ્યા મેળવતા અટકાવે છે ?”
આ બાળકના મુખારવિંદ પર પુરૂષાર્થેના બળે પ્રારબ્ધ સામેની લડાઇ લડવાનો ઇરાદો સ્પષ્ટ દેખાતો હતો એમણે મહેનતના બળે વિધાતાના લેખને પણ ખોટા પાડ્યા અને સંસ્કૃતના પ્રકાંડ પંડીત પાણિની તરીકે પ્રસિધ્ધી પામ્યા.
સફળતા જીંદગીની હસ્ત રેખામાં નથી હોતી
ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી
જેમણે જેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે તે કોઇ ટૂંકા રસ્તેથી પ્રાપ્ત નથી થઇ પરંતું પોતાની જાતને ઓગાળીને એમાંથી સફળતાનું અમૃત પીધું છે.પોતાના અસ્તિતવને મીટાવી દીધુ છે ત્યારે આ સફળતાના દર્શન થયા છે.
મીટાદે અપની હસ્તી કુ અગર કુછ મર્તબા ચાહતે હો
દાના ખાકમે મીલકર ગુલે ગુલઝાર હોતા હૈ
અવકાશ સંશોધનક્ષેત્રે કામ કરતી વિશ્વની પ્રખ્યાત સંસ્થા “ નાસા” માં જોડાવાની ઇચ્છા આ ક્ષેત્રે કામ કરનારા દરેક માણસને હોય એ સ્વાભાવિક છે. સંસ્થા દ્વારા આ માટે દર વર્ષે ઓનલાઇન પરિક્ષા લેવામાં આવે છે. 2009માં સમગ્ર વિશ્વમાંથી 4 કરોડ 73 લાખ વિદ્યાર્થીઓએ આ પરિક્ષા આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓમાં 99.5% સાથે વડોદરાનો એન્જીનિયરિંગમાં અભ્યાસ કરતો અભિષેક જૈન પ્રથમ નંબરે આવ્યો. અભિષેક પર ચારે બાજુથી અભિનંદનનો અભિષેક થયો. પરંતું એણે કેટલી અને કેવી મહેનત કરી એ જાણવામાં ક્યાં કોઇને કંઇ રસ હતો ? માત્ર એક જ લક્ષ હોય અને એને પામવા માટે બધુ જ બાજુમાં મુકીને તનતોડ મહેનત કરવાની તૈયારી હોય તો આવી સફલતા મળે.
સંસ્કૃતમાં એક સુભાષિત છે......
વિદ્યાર્થીનમ્ કુતો સુખમ્ |
સુખાર્થીનમ્ કુતો વિદ્યા ॥
વિદ્યાર્થી ( ધ્યેય પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરતો કોઇપણ માણસ)ને આનંદ-પ્રમોદ , મોજ –મસ્તી ક્યાંથી હોય અને મોજ મસ્તી વાળાને વિદ્યા ક્યાથી હોય? અહીં એ વાત કહેવાનો મતલબ એવો બીલકુલ નથી કે વિદ્યાર્થી જીવનમાં મોજ મસ્તી કે આનંદ ન હોય ? પરંતું જેણે સફળતા પ્રાપ્ત કરવી હોય એણે પોતાના લક્ષને નજર સમક્ષ રાખીને લક્ષને અવરોધતી તમામ પ્રવૃતિઓનો ત્યાગ કરવો જોઇએ.
5. પ્રતિક્ષા – ધારેલા પરિણામની
કોઇ વ્યક્તિ પોતાની ખુબીઓની જાણકારી મેળવે , એ મુજબ જ પોતાની પસંદગીનું ક્ષેત્ર પણ નક્કી કરે, પસંદગીના આ ક્ષેત્રમાં જ્યાં પહોંચવું હોય તે ધ્યેય નક્કી કરીને એને પ્રાપ્ત કરવા માટે પ્રચંડ પુરૂષાર્થ પણ કરે આમ છતા ઘણીવાર એવું બને કે એ મંઝીલ સુધી ન પહોંચી શકે ! આવા કપરા સમયે ઘણીવખત વ્યક્તિ નિરાશા અને હતાશાની ઉંડી ખાયમાં પોતાની જાતને ધકેલી દે છે અને હથીયારો હેઠા મુકીને મેદાન છોડીને ભાગી જાય છે. યાદ રાખજો મિત્રો જ્યારે આપણને એવું લાગે કે હવે સફળતા પ્રાપ્ત કરવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે અને હવે કોઇરીતે ધ્યેય સિધ્ધ થઇ શકે તેમ નથી , શક્ય છે કે આવા જ સમયે આપણું ભાગ્ય પુરૂષાર્થના બળે પડખુ ફેરવવાની તૈયારી કરતું હોય. બસ જરૂર હોય છે થોડા વધુ ઇંતજારની
અવારનવારની નિષ્ફળતા બાદ રસ એડમંડ હીલેરીએ એવરેસ્ટનું આરોહણ છોડી દીધું હોત તો? , 1000 જેટલા પ્રયોગોમાં નિષ્ફળતા મળ્યા બાદ થોમસ આલ્વા એડીશને વિજળીનો ગોળો બનાવવાનું છોડી દીધુ હોત તો? 19 વખત નાના મોટી ચૂટણી હાર્યા બાદ અબ્રાહમ લિંકને રાજકારણમાંથી નિવૃતિ લઇ લીધી હોત તો ? મીસાઇલ પરિક્ષણમાં બબ્બે વખત નિષ્ફળતા મળ્યા પછી ડો. કલામે સન્યાસ લઇ લીધો હોત તો ? એબીસીએલની કારમી નિષ્ફળતા બાદ અમિતાભે આર્થિક સમસ્યાની સામે લડવાને બદલે હથીયાર હેઠા મુકી દીધા હોત તો ?
તો કદાચ આમાના કોઇના નામનો ઉલ્લેખ અહિંયા ન થયો હોત ! એટલું યાદ રાખજો કે દુનિયાની તમામ સફળ વ્યક્તિઓએ અનેક નિષ્ફળતા બાદ જ સફળતાનો સ્વાદ ચાખ્યો હોય છે. આ તમામ વિજેતાઓ એક જ મંત્ર સાથે પોતાના લક્ષને સિધ્ધ કરવા માટે આગળ વધતા હોય છે.
હમ હોંગે કામયાબ , હમ હોંગે કામયાબ , હમ હોંગે કામયાબ એક દિન
પુરા હૈ વિશ્વાસ , મન મેં હૈ વિશ્વાસ , હમ હોંગે કામયાબ એક દિન
એક યુવાન એક જ્યોતિષી પાસે ગયો. મુઠીમાં ચકલીનું નાનું બચ્ચુ પકડીને બંધ મુઠીને કોટના ખીસામાં રાખીને પછી પેલા જ્યોતિષીને પુછ્યું કે, “ મારી મુઠીમાં ચકલીનું બચ્ચુ છે તે જીવે છે કે મરી ગયુ છે ?” . જ્યોતિષીએ એટલું જ કહ્યુ કે, “ ભાઇ એને જીવાડવું કે મારવું એ તારા હાથની જ વાત છે”
મિત્રો પરમાત્માએ આપેલા આ અમૂલ્ય માનવજીવનમાં સફળ થવુ કે નિષ્ફળ એ આપણા જ હાથની વાત છે.
આપના સફળ જીવન માટે હદયપૂર્વકની શુભેચ્છા.
From: Shailesh Sagpariya
No comments:
Post a Comment